ગુજરાતનો ઇતિહાસ

ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી શરુ થાય છે.

ગુજરાતનું નામ લેતાં જ કવિ નર્મદની ગુજરાતનું ગૌરવ ગાતી આ અદ્ભુત રચના આંખોની સામે જાણે પ્રસ્તુત થઈ જાય છે.

જય જય ગરવી ગુજરાત !

જય જય ગરવી ગુજરાત,

દીપે અરૂણું પરભાત,

ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;

તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –

ઊંચી તુજ સુંદર જાત,

જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,

પૂરવમાં કાળી માત,

છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;

ને સોમનાથ  ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-

છે સહાયમાં સાક્ષાત

જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,

મહી ને બીજી પણ જોય.

વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;

પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-

સંપે સોયે સઉ જાત,

જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,

તે સિદ્ધ્રરાજ જયસિંગ.

તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !

શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-

જન ઘૂમે નર્મદા સાથ,

જય જય ગરવી ગુજરાત”.

મહાન ભારત દેશના પશ્ચિમે આવેલ ગુજરાત રાજ્યના ઇતિહાસની વાત કરીએ તો, ગુજરાત રાજ્યનું નામ “ગુજરાત” ઈ.સ. 700 અને ઈ.સ. 800 દરમિયાન અહીં રાજ કરેલ ગુજ્જરો પરથી પડ્યું હતું. ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી શરુ થાય છે. ઈ.સ. પૂર્વે 319માં ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રદેશો મગધ રાજા ચંદ્રગુપ્તના આધિપત્ય નીચે આવતા હતા. તેમાં તેમના પૌત્ર સમ્રાટ અશોકે વિસ્તાર કર્યો હતો. સમયમાં થોડા આગળ વધીએ તો, ઈ.સ. 900 દરમિયાન ગુજરાતમાં સોલંકી શાસન આવ્યું. સોલંકી શાસન દરમિયાન ગુજરાતનો સૌથી વિશાળ વિસ્‍તાર તેમના તાબામાં હતો. ગુજ્જરો સોલંકી જાતિની સાથે સંકળાયેલ હતાં. પ્રાચીન ગુજરાતના છેલ્‍લા હિન્‍દુ શાસક સોલંકી અને રાજપૂત હતા. એમ માનવામાં આવે છે કે ગુજરાતના છેલ્‍લા હિન્‍દુ શાસક કરણદેવ વાઘેલા 12મી સદીના અંત ભાગમાં દિલ્‍હીના સુલતાન અલાઉદ્દીન ખીલજીથી પરાજય પામ્‍યા હતાં. મુસ્‍લિમોનું શાસન 400 વર્ષ સુધી રહ્યું. ઝફરખાન મુઝફ્ફર તે સમયના નબળા દિલ્‍હીના સુલતાનનો ફાયદો ઉઠાવીને ગુજરાતનો પહેલો સ્‍વતંત્ર સુલતાન બન્‍યો. તેણે પોતાનું નામ મુઝફ્ફર શાહ જાહેર કર્યું. અહમદ પહેલો, જેણે ગુજરાત પ્રાંતમાં પ્રથમ સ્વતંત્ર મુસ્‍લિમ શાસક તરીકે ઈ.સ. 1411માં સાબરમતી કિનારે અમદાવાદ વિકસાવ્‍યું. આ અગાઉ, ઈ.સ. 1026માં મોહંમદ ગજનીએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું. તે મૂર્તિ પૂજાનો વિરોધી હતો. તેણે રાજ્યમાં મૂર્તિઓનો નાશ કરાવ્યો, યુદ્ધમાં પકડાયેલા સૈનિકોને બંદી બનાવ્યા અને સમૃદ્ધ ગુજરાતની સંપત્તિ પર લૂંટ ચલાવી. જે સંપત્તિ – વૈભવ માટે ગુજરાત જગ મશહુર હતું. ત્યારબાદ અલાઉદ્દીન ખીલજી ઈ.સ. ૧૨૯૮માં ગુજરાતમાં આવ્‍યો. ગુજરાતના તત્કાલિન સુલતાન ઈ.સ. 1576 સુધી સ્‍વતંત્ર રહ્યા. મુગલ સમ્રાટ અકબરે ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં ભેળવી દીધું. તેણે મલવા અને ગુજરાતને ઈ.સ. 1570માં મુગલ સામ્રાજ્યમાં સામેલ કર્યા. મુગલોએ બે સદી સુધી શાસન કર્યું. ત્યારબાદ મહાન મરાઠા સેનાપતિ છત્રપતિ શિવાજીએ પોતાના પ્રભાવ અને કુનેહથી ગુજરાત કબજે કર્યું.

ઈ.સ. 1600માં ડચ, ફ્રેન્‍ચ, અંગ્રેજ અને પોર્ટુગીઝ, દરેક ગુજરાતના દરિયા કિનારેથી આવ્યા અને પોતાના વિસ્‍તારો વિકસાવ્‍યા. જેમાં દમણ, દીવ અને દાદરા અને નગરહવેલીના પ્રદેશો મુખ્ય હતાં. બ્રિટિશ ઇસ્‍ટ ઇન્‍ડિયા કંપનીએ પોતાના વેપારી કામકાજો ઈ.સ. 1614માં સુરત ખાતે શરુ કર્યા. પરંતુ ઈ.સ. 1668માં પોર્ટુગીઝો પાસેથી મુંબઈનો કબજો લીધા બાદ તેઓ તેમના વેપારી કામકાજો મુંબઈ લઈ ગયા. ગુજરાતની શાસન વ્‍યવસ્‍થા તત્કાલિન બોમ્‍બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી. જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું. ઈ.સ. 1818 થી ઈ.સ. 1947 દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્‍તારો જેવા કે કાઠિયાવાડ, કચ્‍છ અને ઉત્તર-પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્‍યના જિલ્લા જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત સીધા જ બ્રિટિશ સરકારના તાબા હેઠળ હતાં.

ગાંધીજીના સ્‍વતંત્રતાના આંદોલનથી નવા યુગની શરૂઆત થઈ. જેમાં તેમની સાથે સરદાર વલ્‍લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, મોહનલાલ પંડયા, ભુલાભાઈ દેસાઈ, રવિશંકર મહારાજ વગેરે જેવા મહાન ગુજરાતી નેતાઓ જોડાયા. ગુજરાત ઘણી રાષ્ટ્રીય ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. સત્‍યાગ્રહ, બારડોલીનો સત્‍યાગ્રહ, બોરસદનો સત્‍યાગ્રહ અને મીઠાનો સત્‍યાગ્રહ. સ્‍વતંત્રતા પછી ઈ.સ. 1948માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્‍તી ધરાવતા વિસ્‍તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી અને ઈ.સ. 1960, 1લી મેના રોજ સંયુક્ત મુંબઈ-ગુજરાતનું વિભાજન કરી મહારાષ્‍ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્‍તારમાં ગુજરાત, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત્ત રાજ્યનો દરજ્જો મેળવ્યો. 1960માં 17 જિલ્લાથી ગુજરાત રાજ્યનું ગઠન થયું હતું. જેમાં વિસ્તાર થઈને આજે ગુજરાત 33 જિલ્લા ધરાવે છે. ગુજરાત પોતાની ખંતીલી પ્રજાના જોમ અને ઉત્સાહથી ઉત્તરોત્તર પ્રગતિના પંથ પર અગ્રેસર છે અને સમગ્ર ભારત દેશના રાજ્યોને એક આદર્શ રાજ્ય તરીકે આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડી રહ્યું છે.

જય જય ગરવી ગુજરાત!

    Leave a Reply

    Your email address will not be published.