મશીન vs માનવીય અનુવાદ — કોણ કેટલાં પાણીમાં?

Written by: Rashmi M

એક સમય હતો જ્યારે લોકો ટૅક્નોલોજી એટલે કે માત્ર કોમ્પ્યુટર સમજતા હતા. હવે એ સમય બદલાઈ ગયો છે. જનતાજનારદનના હાથમાં મોબાઇલ આવી ગયા છે અને બહોળા પ્રમાણમાં લોકો મોબાઇલ અને બીજા ડિવાઇસોથી ટૅક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવા લાગ્યા છે. વેપાર હોય કે લોકો વચ્ચેની વાતચીત, હવે ટૅક્નોલોજીની જાળ બધી પથરાઈ ગઈ છે. એટલે સ્વાભાવિક છે કે ભાષામાં પણ ટૅક્નોલોજીનો પગપેસારો રહેવાનો. ખાસ કરીને ગામડા હવે દુનિયામાં અને દુનિયા એક મોટા ગામડામાં બદલાઈ રહી છે, ત્યારે પરદેશી ભાષાનો ઉપયોગ અને એનું ભાષાંતર ખૂબ જરૂરી બની ગયું છે. વેપારી ક્ષેત્રે જોઈએ તો દેશ-દુનિયા સાથે વેપારી સંબંધો માટે ભાષાંતર અનિવાર્ય બની ગયું છે. એટલું જ નહિ ધર્મ, મનોરંજન, સ્વાસ્થ્યના ક્ષેત્રે પણ ભાષાના વાડાં વટાવવાની તીવ્રતામાં ઘણો વધારો જોવા મળ્યો છે. મોબાઇલ ટૅક્નોલોજીમાં પણ સોફ્ટવેર અને ડિવાઇસની ભાષા સ્થાનિક ભાષામાં પૂરી પાડવાની સુવિધા અપાય છે. તેમજ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વાત કરીએ તો હવે ફેસબુક, વ્હોટ્સઍપ, ટ્વીટર, સ્નેપચેટ જેવી ઘણી ઍપ અનેક ભાષાઓમાં પોતાની સેવા અને સુવિધાઓ પૂરી પાડવા લાગી છે.

મશીન દ્વારા અનુવાદ

બની શકે કે તમે આવું કંઈક પહેલી વાર વાંચી રહ્યા હશો કે મશીન પણ અનુવાદ કરે એમ!. હવે ઘણી કંપનીઓએ ભાષાંતર ક્ષેત્ર મશીનથી અનુવાદ કરવાના મેદાનમાં ઝંપલાવ્યું છે. ભાષાનું નડતર આંબવાની સાથે સાથે અનુવાદની સેવા પૂરી પાડવામાં ઘણો રૂપિયો કમાવાની પણ તક આ કંપનીઓની નજરે છે. માઇક્રોસોફ્ટ, ગૂગલ તેમજ એમેઝોન જેવી મોટા માથાની કંપનીઓએ ઘણા સમયથી સોફ્ટવેર દ્વારા આપોઆપ અનુવાદ કરવાની સુવિધા પૂરી પાડતી આવી. જેમ કે,માઇક્રોસોફ્ટ ટ્રાન્સલેટર, Google અનુવાદ, બેબલ વગેરે.  પરંતુ તેઓ ઝાઝા સફળ થયા નથી. બોલચાલની ભાષામાં અનુવાદ કરવા માટે મશીનનું માનવ બનવું અશક્ય છે. જોકે હાલમાં, આ કંપનીઓ મશીનને સાહજિક રીતે ભાષા શીખવાની તાલીમ આપી રહી છે અને એનાથી ભાષાનું નડતર આંબી શકાશે એવી મહેચ્છા ધરાવે છે. જો તેઓ આ કામ પાર પાડી લે તો તેઓ લોક સેવામાં થશે કે કેમ એ તો ખબર નથી પરંતુ પોતાના સોફ્ટવેર અથવા પ્લેટફોમ બીજી કંપનીઓ અને બીજા ગ્રાહકોને વેચીને ઘણો રૂપિયો કમાઈ શકે છે.

મશીન લર્નિંગ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે સાદા શબ્દોમાં કહીએ તો મશીનને મગજ બનાવવાની વાત. ઘણી કંપનીઓ આ ક્ષેત્રે નવી તકો જોઈ રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને મશીન લર્નિંગ મારફતે મશીનને બુદ્ધિ સાથે વાચા આપવાના સખત પ્રયત્નો કરાઈ રહ્યા છે. ભાષાના ક્ષેત્રે પણ તેનો ઉપોયગ કરવા માટે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (સાહજિક ભાષાકીય પ્રક્રિયા) દ્વારા મશીનને વાચા આપવાનો પ્રયાસો કરાયા છે. જેના તાજા ઉદાહરણોમાં એપ્પલ કંપની દ્વારા “સીરી” તો ગૂગલ દ્વારા “Google આસિસ્ટંટ” જ્યારે કે એમેઝોન દ્વારા “એલેક્સા” અને માઇક્રોસોફ્ટ દ્વારા “કોર્ટાના” જેવા વર્ચ્યુઅલ આસિસ્ટંટ, એમ કહીએ તો ‘મશીની મગજ’ તૈયાર કરવામાં આવ્યા છે. આ મશીની મગજો ગ્રાહકો જે કાંઈ પૂછે એનો જવાબ આપવા માટે તૈયાર કરવામાં આવ્યા છે અને એ પણ ગ્રાહકની ભાષા પ્રશ્નનો જવાબ આપી શકવાની ક્ષમતા ઉપરાંત ગ્રાહકને વ્યંગ્યાત્મક રીતે મનોરંજ પૂરી પાડવાની સુવિધા પૂરી પાડે છે.

‘મશીની મગજ’ની મગજની મર્યાદા

એક માનવીય સેક્રેટરી કે આસિસ્ટંટની સામે વર્ચ્યૂઅલ આસિસ્ટંટ ખરું જોવા જઈએ તો કોઈ રીતે બરાબરી કરી શકે એમ નથી. રમૂજ ખાતર કહો કે પછી નવી ટૅક્નોલોજીની ઘેલછાથી પ્રેરાઈને  કતૂહલવસ લોકો વર્ચ્યૂઅલ આસિસ્ટંટને અજમાવે પણ માનવીય સહાયકારીની જગ્યા ક્યારેય લઈ શકશે નહિ. મશીનને એવી કોઈ પણ રીતે પ્રોગ્રામ કરી શકાય એમ નથી કે તેઓ માનવીય સંસ્કૃતિની શીખી શકે. સંસ્કૃતિ સંસ્કૃતિએ પોતાની ભાષાના શબ્દો અને અર્થ રહેલા હોય છે. એ શબ્દો, એની રચના અને એના ખાસ ઉપયોગ પોતાની સંસ્કૃતિનો રંગ ધરાવતા હોય છે, જેને મશીની મગજ શીખી શકે એમ નથી. એ ઉપરાંત મશીની મગજ રૂઢિપ્રયોગ, કહેવતો અને શબ્દસમૂહો ભલે ગ્રહણ પણ કરી લે પરંતુ એનો ક્યારે અને ક્યાં ઉપયોગ કરવો અની સૂઝ ક્યારે પામી શકશે નહિ. મશીનમાં બધું જ ઉમેરવામાં આવે પણ ક્યાં કયો શબ્દો પ્રયોજાય એનું જ્ઞાન એનું ભાન ભાષાના જાણકારને જેટલો ખ્યાલ હોય એટલો મશીન કદીએ પામી શકશે નહિ. મશીની મગજની આ મોટી મર્યાદા છે એને આંબવું અશક્ય સમાન છે. એટલું જ નહિ, અનુવાદ કાર્યમાં માનવીય સ્પર્શ ખૂબ જરૂરી હોય છે એના વિના સારા અનુવાદો થઈ જ ન શકે.

માનવીય અનુવાદ

ખરું કે કોઈ પણ અનુવાદ સંપૂર્ણ નથી હોતો. માનવોને પણ મર્યાદા નડે છે. પરંતુ મશીની મગજ દ્વારા થયેલા અનુવાદની સરખામણીમાં માનવીય અનુવાદમાં ગુણવત્તાની સરખામણીમાં આભ-જમીનનો ફરક હોય છે. એક માનવીય અનુવાદક લખાણને સમજે છે, એટલું જ નહિ એને અનુભવી પણ શકે છે, તેથી એ પોતાના અનુવાદમાં લાગણીઓનો પ્રાણ પૂરી શકે છે અને એનાથી તેનું અનુવાદ જીવંત બની શકે છે. જ્યારે કોઈ કુશળ અનુવાદકના અનુવાદ વાંચે ત્યારે એ પ્રેરણા, ચેતના, મનોમંથન સાથે વ્યવહારું જ્ઞાન મેળવી શકે છે. તેનું અનુવાદ વ્યક્તિને રડાવી કે હસાવી શકવાની ક્ષમતા ધરાવે છે. કાંઈક કરી છૂટવાની ભાવના જન્માવી શકે છે. આ છે મનુષ્યના હાથે કરાયેલા અનુવાદની તાકાત.

માનવીય અનુવાદની મર્યાદા

ખરું કે માનવીય અનુવાદ એ અનુવાદ છે અને મૂળ લખાણની સરખાણીમાં એની પણ ઘણી મર્યાદાઓ રહેલી છે તેમજ કોણે અને કઈ રીતે એનો અનુવાદ કર્યો છે એની પણ અસર પડતી હોય છે. ઘણી વાર અનુવાદ બીબાઢાળ પદ્ધિતિથી કરાયું હોય, કાં તો એ વાંચીને શબ્દકોશ ફંફાસવાનો વારો આવે. ઘણા અનુવાદકો ને સારી તાલીમ નહિ મળવાને કારણે સારું અનુવાદ કાર્ય ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અનુવાદકની સ્ત્રોત કે લક્ષ્ય ભાષા પર ઓછી પકડ પણ સારું અનુવાદ નથી આપી શકતી. કેટલાક અનુવાદ કાર્યમાં સમયની મર્યાદા અને કોઈ ખાસ પદ્ધતિ, સોફ્ટવેર કે કેટ ટૂલમાં કામ કરવાની જરૂરિયાતને લીધે પણ એની અસરકારકમાં ફરક પડે છે.

એ તો સ્પષ્ટ છે કે મશીન અને માનવીય અનુવાદમાં વિજેતા મનુષ્યો જ છે અને ગણાતા રહેશે. કેમ કે ભાષા કોઈ મશીને નહિ પણ મનુષ્યોના સર્જનહારે બનાવી છે અને આપણા મજગ અને સ્વભાવમાં મૂકી છે. તેથી, મશીની મગજના અથાક પ્રયત્નો છતાં સર્જનહારની કૃતિની બરાબરી ક્યારેય કરી શકશે નહિ.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *