Gujarat’s echo in IPL

ગુજરાતના ખેલાડીઓએ ભારતીય ક્રિકેટમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે

ક્રિકેટ પ્રેમીઓ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે જગમશહૂર ઇન્ડિયન પ્રિમિયર લીગની સિઝન – 2ની રોચક શરૂઆત થઈ ચૂકી છે. આઇપીએલની સિઝન-2માં જીત મેળવવા માટે તમામ ટીમોએ પોતાપોતાની નવી વ્યૂહરચના સાથે કમર કસવા માંડી છે. આ દિલધકડ ક્રિકેટના ટૂંકા અને ઝડપી ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટાર્સના પર્ફોર્મન્સ સામે ભારતના જુદાં જુદાં રાજ્યોના લોકલ ખેલાડીઓ પણ કંઈ ઊણા ઉતરે એવા નથી. આપીએલની હરાજીમાં ગુજરાતના ખેલાડીઓની પણ બોલબાલા જોવા મળી રહી છે.

ગુજરાત અને ક્રિકેટની વાત આવે ત્યારે  સૌપ્રથમ બરોડા અને સૌરાષ્ટ્ર ક્રિક્રેટ એસોસિએશન પહેલા આવે. ગુજરાતના ખેલાડીઓએ ભારતીય ક્રિકેટ ટીમમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે અને તેનો ઇતિહાસ પણ લાંબો છે. હાલના નવયુવાનોની વાત કરીએ તો પાર્થિવ પટેલ, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, પઠાણ ભાઈઓનાં નામ સૌ કોઈના કાને ગુંજેે છે. આ ખેલાડીઓએ ભારતીય ટીમને અનેક મેચોમાં વિજય અપાવીને વિશ્વમાં ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

આઈપીએલમાં ગુજરાતીઓની બોલબાલા

ભારતીય ક્રિકેટ ટીમમાં રમતા કેટલાક નામચીન ક્રિકેટ સ્ટાર્સમાં ગુજરાતી ખેલાડીઓની પણ બોલબાલા જોવા મળે છે. તેઓમાં હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને જસપ્રિત બુમરાહના નામ છે, ખાસ કરીને એકદિવસિય ક્રિકેટ મેચ અને આઇપીએલ ફોર્મેટમાં તેઓના નામ દિલધડક ખેલાડીઓની યાદીમાં ગુંજતા જોવા મળી રહ્યા છે. આઇપીએલ જેવા ફાસ્ટ ફોર્મેટમાં આ નવયુવાનો પોતાનો જોશ અને આવડતનો પરચો આપી રહ્યા છે ત્યારે ક્રિકેટ જગતમાં ગુજરાતનું નામ જગજાહેર કરી રહ્યા છે.

ટેસ્ટ મેચમાં ગુજરાતી ત્રિપુટી

ટેસ્ટ ક્રિકેટની વાત આવે ત્યારે ભલભલા ક્રિકેટ ખેલાડીઓનો ક્યાસ મપાય જાય છે. ટેસ્ટ ક્રિકેટનો સ્વરૂપ સદીઓથી ક્રિકેટમાં હાઇપ્રોફાઇલ અને પોશ રહ્યો છે. આઇપીએલ જેવા ઝડપી ક્રિકેટ ફોર્મેટમાં ખેલાડીઓનો તરખાટ જોવા મળે છે, ત્યાં ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓની ધીરજ અને તેઓ કેટલા ટકાઉ છે તેનું માપન પણ થતું હોય છે. એવામાં ઘણા ભારતીય ટેસ્ટ ખેલાડીઓમાં ગુજરાતના ખેલાડીઓએ પણ પોતાનું નામ નોંધ્યાવ્યું છે. હાલમાં ગુજરાત વતી પાર્થિવ પટેલ, ચેતેશ્વર પૂજારા અને રવિન્દ્ર જાડેજા ગુજરાતની ત્રિપુટી તરીકે જાણીતી છે અને અનેક ટેસ્ટ મેચમાં ભારતને જીત અપાવવામાં તેઓનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

ગુજરાતના નામચીન ક્રિકેટરોની ઝાંખી

ગુજરાત લાયન્સ

રાજકોટ, ગુજરાતની ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ટીમ ગુજરાત લાયન્સ આઇપીએલમાં નવી નવી ટીમ છે. વર્ષ 2016 અને 2017માં ગુજરાત લાયન્સને આઇપીએલમાં પ્રવેશ મળ્યો હતો. ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાથી ગુજરાત લાયન્સને આઇપીએલમાં રમવાનો ચાન્સ મળ્યો હતો. વર્ષ 2016માં રાજકોટની ફ્રેન્ચાઇઝીએ ભારતીય ક્રિકેટરોને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. આ ટીમના કૅપ્ટન સુરેશ રૈના હતા અને તેમની ટીમમાં રવિન્દ્ર જાડેજા, બ્રાન્ડોન મેક્કુલમ, જેમ્સ ફોલ્કનર, ડ્વેન બ્રાવો જેવા ધૂરંધરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ગુજરાતની ગુંજ

સમગ્ર દેશ સહિત દુનિયાભરમાં આઇપીએલનું ઘેલું લાગી રહ્યું છે ત્યારે આઇપીએલની દરેક સિઝનમાં ભારતના તમામ રાજ્યોમાં તેનો પ્રભાવ વધી રહ્યો છે. લોકોમાં વિકેન્ડમાં મનગમતો સમય વિતાવવાની વાત આવે ત્યારે આઇપીએલની મેચ જોવા જવું એક નવો ચીલો બની રહ્યો છે. પોતાની ફેવરિટ ટીમની જર્સી પહેરીને પ્રેક્ષક ગણમાં ચિચિયારીઓ પાડવી એ હવે લોકોમાં ક્રેઝ બનવા લાગ્યો છે. એમાં ગુજરાતની જનતા પણ કંઈ બાકી રહી નથી. ગુજરાતના મહાનગરોમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતના ક્રિકેટ પ્રેમીઓમાં પણ આઇપીએલમાં રમતા ગુજરાતના ખેલાડીઓ ફેવરિટ છે. જોકે, ભારતભરમાં ચેન્નઇ સુપર કિંગ્સની બોલબાલા ફરી પાછી વધી રહી છે, ત્યારે આગામી સમયમાં આઇપીએલની ગુંજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં વધતી જોવા મળશે.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *